શહેરના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાનો સ્થાનિક મહિલાઓ આક્ષેપ લગાવી રહી છે. મહિલાઓ સહિત સ્થાનિકોએ રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બહારથી સામાન્ય લાગતી દુકાનમાં દરોડા પાડીને દેશી દારૂની પોટલીઓ ઝડપી પાડી છે. હાલ આ અંગેના વીડિયો ઘણા જ વાઇરલ થઈ રહ્યા છે. વીડિયોમાં મહિલાઓ રણચંડી બનીને દારૂની પોટલીઓ દુકાનમાંથી બહાર લાવતી દેખાઈ રહી છે.
રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્થાનિકોએ રેડ પાડી હતી. સ્થાનિકોએ બનાવેલા વીડિયોમાં ઠેર ઠેર દારૂની પોટલીઓ જાવા મળી રહી છે. એટલું જ નહીં, બુટલેગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હોવાનું જાવા મળ્યું.
સ્થાનિકોનો દાવો છે કે, પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી તો પણ દારૂના અડ્ડાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. જેથી સ્થાનિકોએ પોતે જ રેડ પાડી હોવાનું જણાવી રહ્યા છે. જનતા રેડનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ઘણો જ વાઇરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, આ જનતા રેઇડ ગઈકાલે પાડવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સરકારી જમીન પર ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિકોએ રેઇડ પાડીને વીડિયોમાં મહિલાઓ બોલતી સંભળાય છે કે, “અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે.”
આ સ્થાનિક રેઈડ બાદ જે દુકાનમાં દેશી દારૂ વેચાતો હતો તે લોકો દુકાનો ખાલી કરીને ત્યાંથી ભાગી ગયા છે. નોંધનીય છે કે, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો અડ્ડો ચાલતો હતો. હવે જાવાનું એ રહ્યું કે, સ્થાનિકોની રેઈડ બાદ પોલીસ કેવી કાર્યવાહી કરે છે.