મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્‌સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ નાણાંકીય નવીનતાના ક્ષેત્રોમાં સતત અગ્રણી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવી અપેક્ષા દર્શાવી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ઇન્ડિયા આઇએનએકસ પર યુ.એસ. ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપશન્સ કોન્ટ્રાક્ટસ એક મહત્વપૂર્ણ પગલું છે. એટલું જ નહીં, ભારતીય નાણાંકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થા સાથે વધુ નજીકથી જાડાવાની તક પણ પૂરી પાડનારું આ કદમ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સતત નવા આયામો ઉમેરાઈ રહ્યા છે તેની સરાહના કરતાં કહ્યું કે,ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સયલ સર્વિસ સેન્ટર અને બુલીયન એક્સચેન્જ સફળતાપૂર્વક અપરેશનલ છે. આ ઉપરાંત બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સર્વિસીઝનું પણ સંચાલન થાય છે. નાના-મોટા અનેક ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા તરફ જઈ રહ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગિફ્ટ સિટીના એમ.ડી. શ્રી તપન રે તથા ફિનટેક, ઇનોવેશન્સ, ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરના અગ્રણીઓ તેમજ આમંત્રિતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.