ધોરાજી નગરપાલિકામાં કુલ ૯ વોર્ડની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઝંપલાવ્યું છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ પાછી ખેંચવાના અંતિમ દિવસે કુલ ચાર ઉમેદવારી ફોર્મ ખેંચાયા હતા. આજે ભાજપમાંથી વોર્ડ નંબર ૨ માંથી ઉમેદવારી નોંધાવનારા પ્રવીણભાઈ હરિભાઈ દવે પોતાનું ફોર્મ પરત ખેંચતા પક્ષમાં ભડકો થયો હતો. આ ઉપરાંત વોર્ડ નંબર ૨માંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર યોગેશભાઈ ભાષાએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચીને તેમના પિતાને સમર્થન જાહેર કર્યું હતું. વોર્ડ નંબર ૪માંથી સુરેશભાઈ વેલજીભાઈ અંટાળાએ અને વોર્ડ ૯માંથી શર્મિલાબેન નાથાભાઈ જરવલીયાએ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ પરત ખેંચ્યું હતું. આથી હવે વોર્ડ નંબર ૯માં માત્ર ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે જ લડાઈ છે.