ગુજરાતમાં ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ડાકલા વાગી ગયા છે. ત્યારે દર વખતની જેમ ગુજરાતની તમામ પાલિકા અને નગરપાલિકાઓમાં જંગી બહુમતીથી જીતવા માટે ભાજપે પોતાનો એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પોતાના પ્રચારકોના નામ જાહેર કરી દીધા છે. જેમાં પાર્ટીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, નીતિન પટેલ, મનસુખ માંડવીયા, પરસોતમ રૂપાલાનો સમાવેશ કર્યો છે. કુલ ૨૦ નેતાઓના નામ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં બીજેપીનો દબદબો રહ્યો છે. ગુજરાતમાં દરેક ચૂંટણીઓ આવે તેમાં બીજેપી પોતાની પકડ જાળવી રાખી છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ મામલે મંગળવારે એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા હતા. પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો દાવો કરાયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જેમાં ભાજપ તરફી ૨૧૫ બેઠકો બિન હરીફ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ૬૮ નગરપાલિકાની ૧૯૬ બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની ૯ બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ૧૦ બેઠકો મળી હોવાની વાત સામે આવી છે.

મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના કાર્યો તેમજ કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહની વિકાસની રણનીતિ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજીના માર્ગદર્શનમાં ગુજરાતમાં પ્રજા સુધી પહોંચી પ્રજાલક્ષી કાર્યો કર્યા છે તે જનતાએ સ્વીકારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી પહેલા જ પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે તે સાબિત કરી બતાવ્યુ છે.