મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં કપડાની લોન્ડ્રીમાંથી ૫ કરોડ રૂપિયાની રોકડ જપ્ત થયા બાદ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોની ધરપકડ કરી છે. જ્યારે માહિતી મળ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને શંકાસ્પદ રોકડ રકમ જપ્ત કરી હતી. અગાઉ, ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મંગળવારે વધુ બે શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
કેસની માહિતી આપતાં ભંડારા જિલ્લાના એસપી નૂરુલ હસને જણાવ્યું કે આ રોકડ એક કોર્પોરેટ બેંકની તુમસર શાખામાંથી લાવવામાં આવી હતી. આ રકમ એક આંતરરાજ્ય ગેંગ દ્વારા છેતરપિંડીથી ઉપાડી લેવામાં આવી હતી. બેંક અધિકારીઓ, ખાસ કરીને બ્રાન્ચ મેનેજર ગૌરીશંકર ધોકચંદ અને ઓપરેશન હેડ વિશાલ ઠાકુર પર મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ છે.
આ લોકોએ સામાન્ય લોકો પાસેથી પૈસા લઈને લોન્ડ્રીમાં જમા કરાવ્યા. આ પછી પૈસા રાજ્યની બહારની ગેંગને સોંપવાના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ રોકડ એક આંતર-રાજ્ય મની લોન્ડરિંગ યોજનાનો ભાગ હતી, જે હેઠળ છત્તીસગઢ અને ગોંદિયામાં પૈસા બમણા કરવામાં આવી રહ્યા હતા. આ ગેંગ સામાન્ય લોકો પાસેથી પૈસા પડાવતી હતી અને તેને બમણા કરવાના વચનથી તેમને લલચાવતી હતી. આ છેતરપિંડીમાં બેંક અધિકારીઓની પણ ભૂમિકા હતી.
આરોપી બેંક અધિકારીઓએ આ પૈસા લોન્ડ્રીમાં રાખ્યા હતા, જ્યાંથી તેને અન્ય સ્થળોએ મોકલવાના હતા. સંગઠિત અપરાધના આ કેસ અંગેની માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), આવકવેરા વિભાગ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (આરબીઆઇ) ને પણ આપવામાં આવી છે. આ એજન્સીઓએ પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે, જે આ મામલાને વધુ જટિલ બનાવી શકે છે. આ કેસના ખુલાસા બાદ ભંડારા પોલીસે કહ્યું કે આ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રોકડ રકમ જપ્ત કર્યા પછી, પોલીસે એમ પણ કહ્યું કે આ રેકેટમાં સામેલ એક લોન્ડ્રી માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસને એવી માહિતી મળી હતી કે આ રોકડનો વ્યવહાર લોન્ડ્રી દ્વારા કરવામાં આવશે, જેના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે ૫ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી અને અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં હજુ પણ ઘણા આરોપીઓ ફરાર છે, અને તેમની શોધ ચાલુ છે. પોલીસનું માનવું છે કે આ ગેંગ અનેક રાજ્યોમાં મની લોન્ડરિંગમાં સામેલ હતી, અને આ કેસમાં ઘણા વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.