ગુજરાતમાં સરકાર દ્વારા દર્દીઓને સુવિધા અને સારી સારવાર મળે તે માટે સરકારી હોસ્પિટલોમાં સવલતો ઉભી કરવામાં આવે છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા ઉંદરના ત્રાસથી તંત્રએ આંખ આડા કાન કર્યાં છે. દર્દીઓનો આરોપ છે કે ઘોર બેદરકારી વચ્ચે દર્દીઓને હેરાન કરવા, દર્દીઓના જીવનને જાખમમાં મૂકવા અને બાળકોના મૃત્યુ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી જેવા મોંઘા વિભાગોમાં દાખલ દર્દીઓ હવે એક નવી પીડાદાયક સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે.
મળતી માહિતી અનુસાર, શહેરની સિવિલ હોસ્પિટલના પીએમએસવાય બિલ્ડિગના ચોથા માળે પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં બે મહિલાઓ સહિત ત્રણ દર્દીઓના હાથ-પગ મોટા ઉંદરોએ કરડ્યા હતા. ઉંદરોએ કરડેલા દર્દીઓમાં કાલાવડ રોડના રહેવાસી વનિતાબેન ચપટા અને જસદણના રહેવાસી ભાનુબેન રાદડિયા અને રમેશભાઈ જીવનભાઈનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તેઓ પોતે પણ ઉંદરોની ક્રૂરતાનો ભોગ બન્યા છે.
દર્દીઓ કહે છે કે પીઓપીમાંથી પસાર થતી પાઇપ લાઇન મારફતે ઉંદરો હોસ્પિટલના વોર્ડમાં પ્રવેશી રહ્યા છે અને સાંજથી આખી રાત ધમાચકડી બોલાવી દર્દીઓના બેડ પર પણ પડીને દર્દીઓમાં ભય ફેલાવી રહ્યા છે. જાણકારો કહે છે કે, પાંચ વર્ષથી બનેલા પ્લાસ્ટીક સર્જરી વિભાગમાં ઉંદરના ત્રાસની સમયાંતરે ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ ઉંદરનો ત્રાસ દૂર કરવા તંત્રએ કોઇ પ્રયાસ કર્યો હોય તેવું નથી જણાતું.
ઉંદરોના ત્રાસને સમાપ્ત કરવા માટે, ૨૦૧૮ માં ૨૦ થી ૨૫ લાખ રૂપિયાનું પેસ્ટ કંટ્રોલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે મેડિકલ ડિરેક્ટરની બદલી અને આરોગ્ય વિભાગના વડા ગાંધીનગરથી બહાર જવાને કારણે, ટેન્ડર પ્રક્રિયા કોઈક રીતે ખોરવાઈ ગઈ છે. ગમે તે હોય, દર્દીઓની માંગ છે કે વહીવટીતંત્ર શક્ય તેટલી વહેલી તકે જાગે અને સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો અંત લાવે.
સિવિલ હોસ્પિટલમાં વહેલા ઉંદરના ત્રાસને દૂર કરવા તંત્રએ શું કર્યું? તેવા સવાલના જવાબમાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું કે, અત્યારે જુદા-જુદા વોર્ડમાં ૨૦ થી ૨૫ પીંજરા મૂકાયા છે. બે દિવસમાં ૧૬ ઉંદર પકડાઇ ગયા છે. બીજી બાજુ પેસ્ટ કંટ્રોલ ટેન્ડર માટે આચાર સંહિતા બાદ પ્રક્રિયા હાથ ધરાશે