પ્રયાગરાજના મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે. મહાકુંભમાં દેશભરમાંથી કરોડો લોકો આવ્યા અને હજુ ઉમટી રહ્યા છે તેથી મહાકુંભ લંબાવાશે એવી વાતો વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે સ્પષ્ટતા કરી છે કે, મહાકુંભ લંબાવાશે એવી અફવાઓમાં આવી ના જતા. આ વાતો ખોટી છે ને પહેલાં નક્કી કર્યા પ્રમાણે, ૨૬ જાન્યુઆરી ને બુધવારે જ મહાકુંભની પૂર્ણાહૂતિ થશે.
ઉત્તર પ્રદેશ સરકાર મહાકુંભની આયોજક હોવાથી તેણે સ્પષ્ટતા કરી એ તો ઠીક છે પણ ધાર્મિક રીતે પણ મહાકુંભને લંબાવી શકાય તેમ નથી કેમ કે મહાકુંભ આયોજનનો નહીં પણ આસ્થાનો વિષય છે.
મહાકુંભ મેળાનો દિવસ ગ્રહોની ચોક્કસ સ્થિતિ અને ખગોળીય જોડાણના આધારે નક્કી થાય છે. ગુરુનો કુંભ રાશિમાં અને સૂર્યનો મેશ રાશિમાં પ્રવેશ થાય ત્યારે હરિદ્વારમાં કુંભ યોજાય છે એવો વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે. એ જ રીતે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં, ગુરુ કુંભ રાશિમાં પ્રવેશે ત્યારે ઉજ્જૈનમાં, માઘ અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રમા મકર રાશિમાં આવે અને ગુરુ મેષ રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ યોજાય છે.
ગુરુ, સૂર્ય અને ચંદ્ર વિશેષ સ્થિતિમાં હોય ત્યારે મહાકુંભ યોજાય છે. ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ હિદુ કેલેન્ડર પ્રમાણે પોષ પૂર્ણિમાના દિવસે આ સુભગ સંયોગ હોવાથી પોષી પૂનમના સ્નાન સાથે કલ્પવાસ એટલે કે મહાકુંભનો આરંભ થયો હતો. એ જ ગ્રહોની સ્થિતીને આધારે મહાશિવરાત્રી એટલે કે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના દિવસે મહાકુંભ ૨૦૨૫નું સમાપન થશે. મહાશિવરાત્રીના દિવસે મહાકુંભની પૂર્ણાહુતિ થશે એવું પહેલાંથી નક્કી થયેલું છે તેથી તેમાં ફેરફાર ના કરી શકાય.

મહાકુંભની સમાપ્તિના દિવસે એક દુર્લભ ખગોળીય ઘટના જોવા મળશે. આપણા સૌરમંડળના તમામ સાત ગ્રહો એટલે કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન ભારતથી રાત્રે આકાશમાં દેખાય છે અને મહાકુંભની પૂર્ણાહુતિના દિવસે એકદમ સ્પષ્ટ રીતે વિશિષ્ટ આકાર સાથે દેખાશે કે જેને સેલેસ્ટિયલ એલાઈનમેન્ટ એટલે કે ગ્રહોનું સંરેખણ કહે છે.
આ અદભૂત ઘટનાની શરૂઆત મહાકુંભની શરૂઆત વખતે થયેલી. જાન્યુઆરી ૨૦૨૫માં શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન એ છ ગ્રહો અવકાશમાં સાથે દેખાવા માંડેલા. ફેબ્રુઆરીમાં બુધ પણ તેમની સાથે જોડાતાં સાતેય ગ્રહો સાથે થયા છે. મહાકુંભની પૂર્ણાહુતિના દિવસે તમામ સાત ગ્રહો સૂર્યની એક બાજુ પર ગોઠવાઈ જશે તેથી અદભૂત નજારો જોવા મળશે. આ ઘટના ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ તેની પીક પર પહોંચવાની તૈયારીમાં છે, એ વખતે તમામ સાત ગ્રહો સૂર્યની એક બાજુ પર ગોઠવાઈ ગયેલા સ્પષ્ટ રીતે જોઈ શકાશે.
આ ખગોળીય ઘટના છે પણ આવી કોસ્મિક ઘટનાઓ આધ્યાત્મિક શક્તિઓને વધારે છે એવું મનાય છે તેથી તેનો લહાવો લેવા જેવો છે. આ ગ્રહોની પરેડમાં ટેલીસ્કોપ સહિતની કોઈપણ ઓપ્ટિકલ સહાય વિના બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ પાંચ ગ્રહો જોઈ શકાશે. યુરેનસ અને નેપ્ચ્યુન એકદમ નાના હોવાથી તેમને જોવા માટે દૂરબીન અથવા ટેલિસ્કોપની જરૂર પડશે. આ અદભૂત ઘટનાના અવલોકન માટેનો શ્રેષ્ઠ સમય સૂર્યાસ્ત પછીના સંધિકાળના કલાકો દરમિયાન અથવા સૂર્યોદય પહેલાં જ્યારે ગ્રહો આકાશમાં ઊંચા સ્થાને હોય ત્યારે હશે તેથી તક ઝડપી લેજો.

પ્રયાગરાજનો મહાકુંભ બ્લોક બસ્ટર સાબિત થયો. ભારતીય પરંપરામાં અર્ધ કુંભ, કુંભ મેળો અને પૂર્ણ કુંભ એમ ત્રણ પ્રકારના કુંભ મેળા યોજાય છે. અર્ધ કુંભ દર છ વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે. કુંભ મેળો દર ત્રણ વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં વારાફરતી યોજાય છે તેથી કોઈ પણ સ્થળે દર ૧૨ વરસે કુંભ યોજાય છે. પૂર્ણ કુંભ મેળો દર ૧૨ વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. તેને કુંભનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે.
દરેક વાર કુંભ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે પણ આ વખતે તમામ રેકોર્ડ તૂટી ગયા. આ વર્ષે મહાકુંભમાં ૫૦ કરોડથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. ઉત્તર ભારતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે છતાં કરોડો લોકોએ ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર સંગમમાં સ્નાન કરીને પવિત્રતા અનુભવી છે.
મહાકુંભે ઉત્તર પ્રદેશની ઈકોનોમીને પણ બદલી નાંખી. મહાકુંભ માટે ઉત્તર પ્રદેશ સરકારે કુલ ૬૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે ને તેની સામે રાજ્ય સરકારને જ ૩૦ હજાર કરોડ રૂપિયાની આવક થઈ છે. તેના કરતાં મોટી વાત એ છે કે, યુપીની ઈકોનોમીમાં લગભગ ૩ લાખ કરોડ રૂપિયા ઉમેરાયા છે. મહાકુંભમાં ૬૦ કરોડ લોકો આવ્યાં. એક અંદાજ મુજબ, મહાકુંભમાં આવનારી પ્રતિ વ્યક્તિ ૫,૦૦૦ રૂપિયા ખર્ચ કરાયા હોય તો પણ કમાણીનો આંકડો ૩ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે.
મહાકુંભના કારણે સૌથી વધારે ફાયદો રહેઠાણ અને પર્યટન ઉદ્યોગને થયો છે. સ્થાનિક હોટલ, ધર્મશાળાઓ અને રહેવાની સુવિધાઓ આપનારાંને જ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હોવાનો અંદાજ છે. એ જ રીતે પેકેજ્ડ ખાદ્ય પદાર્થો, પાણી, બિસ્કિટ, જ્યુસ અને ખોરાકથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયા સુધીનો વેપાર થયાનું મનાય છે. તેલ, દીવા, ગંગાજળ, મૂર્તિઓ, અગરબત્તીઓ વગેરે પૂજા સામગ્રી અને પ્રસાદ, ધાર્મિક પુસ્તકો વગેરેના વેચાણથી ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય થશે. સ્થાનિક અને આંતરરાજ્ય પરિવહન, માલવાહક અને ટેક્સી સેવાઓને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. ટૂર ગાઇડ, ટ્રાવેલ પેકેજ અને પ્રવાસન સેવાઓ સાથે સંકળાયેલાં લોકોને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી થઈ હોવાનો અંદાજ છે.
આ સિવાય સ્થાનિક ઉત્પાદનો, કપડાં, ઝવેરાત અને સ્મૃતિ ચિન્હોની ખરીદી, કામચલાઉ તબીબી શિબિરો, આયુર્વેદિક ઉત્પાદનો અને દવાઓ વગેરેમાંથી પણ કરોડોની કમાણી થઈ છે. મહાકુંભમાં આવનારા મોટા ભાગના લોકો અયોધ્યામાં ભગવાન રામના અને બનારસમાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા તેથી આ બંને શહેરોમાં પણ સ્થાવિક લોકોને જબરદસ્ત કમાણી થઈ છે.
મહાકુંભની સફળતા યોગી આદિત્યનાથના મેનેજમેન્ટ સ્કીલ અને ધર્મનું અસરકારક માર્કેટિંગ કરીને કમાણી કરવાની આવડતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. યોગીએ મહાકુંભનો ઉપયોગ ઉત્તર પ્રદેશને ભારતમાં સૌથી મોટા ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવા કર્યો અને સાથે સાથે યુપીની ઈકોનોમીમાં અબજો રૂપિયા બીજા રાજ્યોમાંથી ખેંચી લાવ્યા.
યોગીએ પ્રયાગરાજના મહાકુંભનું ૧૪૪ વર્ષે યોજાતા મહાકુંભ તરીકે બ્રાન્ડિંગ કર્યું અને જોરશોરથી પ્રચાર કર્યો. પ્રયાગરાજનો મહાકુંભ દર ૧૨ વર્ષે આવતો મહાકુંભ જ છે અને ૧૪૪ વર્ષે આવતી અનોખી ઘટના નથી એવું શંકરાચાર્યો સહિતના સાધુ-સંતો કહી ચૂક્યા છે પણ યોગી સરકારે એવો જબરદસ્ત પ્રચાર કર્યો કે, લોકોના મનમાં ૧૪૪ વર્ષ આવતો કુંભ મેળો છે તેથી તેનો લહાવો લેવાનું ના ચૂકાવું જોઈએ એવી જબરદસ્ત માન્યતા બેસી ગઈ તેથી કરોડો લોકો ઉમટ્યા. યોગી સરકારે કરેલા પ્રચારના કારણે આ મહાકુંભ માટે હિંદુઓમાં જબરદસ્ત ક્રેઝ ઉભો થયો અને શ્રધ્ધાળુઓનો આંકડો ૬૦ કરોડ પર પહોંચી ગયો.
યોગીએ મહાકુંભના માધ્યમથી લોકોને યુપીના ધાર્મિક પ્રવાસનનો અનુભવ કરાવ્યો. યોગી સરકારે અયોધ્યામાં ભવ્ય રામમંદિર અને બનારસમાં કાશી વિશ્વનાથ મંદિરના વિકાસ દ્વારા ધાર્મિક પ્રવાસન વિકસાવ્યું છે. આ બંને સ્થળે દેશભરના હિંદુ શ્રધ્ધાળુઓ આવે છે પણ મહાકુંભના કારણે તેમનો વધારે જોરશોરથી પ્રચાર થયો. આ કારણે હવે યુપીમાં શ્રધ્ધાળુઓનો પ્રવાહ ચાલુ જ રહેશે. જે રીતે હિંદુ શ્રધ્ધાળુઓ મહારાષ્ટ્રમાં નાસિક-શિરડી, દક્ષિણનાં તિરૂપતિ બાલાજી સહિતના મંદિરો કે ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા કરવા કોઈ પણ પ્રચાર વિના જાય છે એ રીતે ઉત્તર પ્રદેશ તરફ પણ પ્રવાહ ચાલુ જ રહેશે. બનારસ, અયોધ્યા, મથુરા, પ્રયાગરાજ સહિતનાં સ્થળે હિંદુ શ્રધ્ધાળુઓનો પ્રવાહ રોકાવાનો નથી ને ઉત્તર પ્રદેશની કમાણી પણ અટકવાની નથી.
ગુજરાત પણ આવું ધાર્મિક પ્રવાસન વિકસાવીને અબજા કમાઈ શકે છે.
હિંદુઓમાં કૃષ્ણભક્ત, શિવભક્ત અને શક્તિના આરાધકો એમ આસ્થાની ત્રણ મુખ્ય ધારા છે. ગુજરાતમાં મા અંબા, મા મહાકાલી વગેરેની ૫૧ શક્તિપીઠો, મહાદેવનું જ્યોતિર્લિંગ સોમનાથ અને ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા ઉપરાંત પાલિતાણા, બહુચરાજી વગેરે ધાર્મિક સ્થળો છે જ એ જોતાં ગુજરાત પણ જંગી કમાણી કરી શકે, સવાલ વિઝનનો છે.
sanjogpurti@gmail.com