એટલે કે માણસ ઉત્સવપ્રિય છે. જીવનની રોજિંદી ઘટમાળ વચ્ચે તહેવારો અને ઉત્સવોની ઉજવણી કરીને લોકો માનસિક રીતે રીફ્રેશ થતાં હોય છે. આ તહેવારોમાં ગુજરાતમાં વિવિધ સ્થળે લોકમેળા ભરાય છે. જેમકે જન્માષ્ટમીના મેળા, ભાદરવી અમાસના મેળા, પૂનમનો અંબાજીનો મેળો, વૌઠાનો મેળો, તરણેતરનો મેળો, અષાઢી બીજનો પરબનો મેળો અને શિવરાત્રીનો જૂનાગઢનો મેળો વગેરે ગુજરાતના પ્રખ્યાત લોકમેળા છે. જેમાં વિવિધ ભાતીગળ સંસ્કૃતિના ભવ્ય પ્રદર્શનો, લોકભવાઈ, હરીફાઈ,
સાંસ્કૃતિક કાર્યક્રમો, રથયાત્રા, પદયાત્રા, અખાડા, રવાડી વગેરે ખાસ વિવિધતાઓ સાથે અલગ અલગ મેળા અને મેળાના સ્થળની વિશેષતાઓ જોવા મળે છે. હર હર મહાદેવના નાદ સાથે ગરવા ગિરનારની ગોદમાં સિદ્ધ સંતોના સાનિધ્યમાં જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તાર, શિવરાત્રીના આગળના દિવસથી માનવ મેદનીથી ભરચક હોય છે. આ બે દિવસનો મેળો જ્યાં ભરાય છે તે જૂનાગઢનો ભવનાથ વિસ્તાર વર્ષમાં બે વાર માનવ મેદનીનો અનુભવ કરાવે છે. એક તો દેવ દિવાળીની લીલી પરિક્રમા વખતે લોકો આસ્થા અને ઉલ્લાસ સાથે ગરવા ગિરનારની પરિક્રમા કરવા ઉમટી પડે છે અને બીજો આવો અવસર એટલે મહા વદ અમાસ શિવરાત્રીનો મહિમા વાળો માનવ મેળો. માણસ આમ તો ઉત્સવપ્રિય હોય છે. ગુજરાતમાં જુદા જુદા વિસ્તાર અને સ્થળ તેમજ સમય મુજબ દરેક મેળાનું અલગ અલગ મહત્વ રહેલું છે. સામાન્ય રીતે મેળાના બે મુખ્ય પ્રકાર પડે છે એક લોકમેળો અને બીજો ધાર્મિક મેળો. અહીં આપણે વાત કરવી છે આવા જ એક ધાર્મિક મેળાની જેમાં લોકોની આસ્થા જોડાયેલી છે. જે મીની કુંભ તરીકે પણ ઓળખાય છે. સિદ્ધ પુરુષોની તપોભૂમિ એટલે સોરઠ જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અનેક સંતો મહંતોના બેસણા છે જ્યાં અલખની આરાધના સાથે કાયમી ભજન અને ભોજનની જમાવટ હોય છે. ગરવા ગિરનારની ટોચ પર ભગવાન દત્તાત્રેય અને મા અંબાના દર્શન કરવા લોકો પર્વતના હજારો પગથિયાના કપરા ચઢાણ ચડે છે, જૈન તીર્થધામ સાથે ઐતિહાસીક અને ધાર્મિક મહત્વ સાથે ગિરનારની ટૂપમાં નાથ સંપ્રદાયના વિવિધ અખાડા તેમજ અનેક દિગંબર સંતો ગુફાઓમાં વર્ષોથી માત્ર કંદમૂળ સાથે તપ કરી રહ્યા છે. જેના દર્શન આડે દિવસે દુર્લભ હોય તેવા આ હજારો સંતો શિવરાત્રીના દિવસે બહાર આવે છે અને આગળના દિવસથી જ ભવનાથ તળેટીમાં તંબુ તાણીને ધૂણી ધખાવીને અખાડામાં લોકદર્શન માટે બિરાજમાન થાય છે. આ સંતોના દર્શન કરવા માટે ખાસ હજારો કિલોમીટરની યાત્રા કરીને લોકો આ મેળામાં પહોંચે છે. બીજા મેળા કરતા જૂનાગઢના શિવરાત્રીના આ ધાર્મિક મેળાની આ ખાસ વિશેષતા છે. શિવરાત્રીની આગલી રાતથી ભવનાથનાં માર્ગો પર જ્યાં રવેડી નીકળવાની હોય ત્યાં રુટ પર રોડની બન્ને બાજુ લોકો ગોઠવાઈ જાય છે. બન્ને બાજુ લોકમેળાના સ્ટોલ ગોઠવાઈ જાય છે. મોટા મોટા આશ્રમોમાં ખ્યાતનામ કલાકારોના ભજનના લોકડાયરામાં ભજન સત્સંગની આહલેક જાગે છે. પાંચ સાત કિલોમીટર સુધી માનવ મહેરામણ ઉમટી પડે છે. હજારો લાખો લોકો આ મેળામાં ભક્તિભાવથી પધારે છે. સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. બીજી આ મેળાની ખાસ વિશેષતા એ હોય છે કે આખા ભવનાથ વિસ્તારમાં કાયમી આશ્રમો ઉપરાંત સૌરાષ્ટ્રની દેહાણ જગ્યા અને સોશ્યલ ગ્રુપ, વિવિધ ગૌશાળાના ગ્રુપ અને બધી સેવાભાવી સંસ્થાઓ મળીને અંદાજે પાંચ સો જેટલા સંસ્થાઓના ઉતારામાં ભાવથી ભોજન પ્રસાદ ફ્રીમાં આપવામાં આવે છે. જેમાં હજારો સ્વયંસેવકો દિવસ રાત સેવા પૂરી પાડે છે અને રોડ પરથી જતાં લોકોને હાથ પકડીને આગ્રહ કરી કરીને પોત પોતાના અન્ન ક્ષેત્રમાં જમડવા લઈ જાય છે. જ્યાં ગરમા-ગરમ ભોજન પૂરા ભાવથી જમાડે છે. આ ઉપરાંત ચા, પાણી અને નાસ્તાના સ્ટોલ પણ ઠેક ઠેકાણે લાગેલા હોય છે અને મેળામાં આવનાર બધાને આદર ભાવ સાથે લાભ લેવડાવે છે. બહારથી આવતા લોકો માટે ઉતારામાં રોકવાની વ્યવસ્થા પણ આ સેવાભાવી સંસ્થાઓ ગોઠવે છે અને માનવ સેવા એ જ પ્રભુસેવા તેમજ ‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો’ એ મંત્રને સાર્થક કરતી સેવાઓ જોવા મળે છે. આવી જ એક સંસ્થા એટલે ગોંડલ તાલુકાના વાલિધરા ગામની ગૌશાળાના ઉતારામાં ભોજન પ્રસાદ લેવાનો અનાયાસે અવસર પ્રાપ્ત થયો. ત્યાં લગભગ પાંચસો જેટલા સ્વયંસેવકો હજારો લોકોને ભોજન પ્રસાદ અને ચા પાણીની સેવામાં ખડે પગે સેવા કરતા જોવા મળ્યા. આવી સેવાભાવી સંસ્થાઓ અને તેના સેવકોને વંદન સાથે અભિનંદન. એટલે જ કહેવાયુ છે કે ‘કાઠિયાવાડમાં કોક દિ’ ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવુ શામળા.’ સામાન્ય રીતે લોકમેળામાં ખાવા પીવાની વસ્તુઓના ભાવ ડબલ હોય છે પણ ભવનાથનાં મેળામાં પેઇડ વસ્તુના ભાવ પણ વ્યાજબી જોવા મળે. ક્યાંય લોકોને લુંટવાનો ઈરાદો નહિ. રોડ પર પાથરણા પાથરીને વસ્તુ વેચવા વાળાથી લઈને દુકાનો અને હોટેલમાં બધે જ વ્યાજબી ભાવ એ ભવનાથનાં મેળાની ખાસ વિશેષતા જોવા મળી. અંતે શિવરાત્રીની મધ્ય રાત્રિએ હજારો દિગંબર સાધુઓની રવેડી નીકળે છે જે મૃગી કુંડમાં સ્નાન કરીને પછી પોત પોતાના ગંતવ્ય સ્થાન પર અદૃશ્ય થઈ જાય છે. ભમ ભમ ભોલેના નાદ સાથે સૌ દેવાધી દેવ મહાદેવનું પર્વ શિવરાત્રી ઉજવીને જીવને અને શિવનો સાક્ષાતકાર કરાવે છે. ઓમ્ નમઃ શિવાય.