રાજુલા તાલુકાના આસ્થાના પ્રતિક સમાન ઘુઘરીયાળી માતાજીના મંદિરે સ્વર્ગવાસી મહંત બાવનદાસ બાપુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમરેલી શાંતાબા મેડિકલ કોલેજની ટીમ અને રાજુલાની સદવિચાર હોસ્પિટલના ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી. આ કાર્યક્રમમાં રાજુલા શહેરના અગ્રણીઓ, વેપારીઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મંદિરના મહંત અશોક બાપુએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સદવિચાર હોસ્પિટલના ડોક્ટરોએ પણ રક્તદાન કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું. સર્વ રોગ નિદાન કેમ્પમાં કુલ ૧૦૭ દર્દીઓએ લાભ લીધો હતો અને બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૨ બોટલ રક્ત એકત્રિત થયું હતું. કાર્યક્રમના અંતે મહંત અશોક બાપુએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. ત્યારબાદ, મહેમાનો અને સેવાભાવી વ્યક્તિઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.