આવતા વર્ષે બંગાળમાં યોજાનારી ચૂંટણી પહેલા, શાસક તૃણમૂલ કોંગ્રેસે વિપક્ષ ભાજપ અને ખાસ કરીને વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીને મોટો ઝટકો આપ્યો છે. આનું કારણ એ છે કે સુવેન્દુના નજીકના સહયોગી તાપસી મંડલે ભાજપ છોડી દીધી હતી. પૂર્વ મેદિનીપુરની હલ્દીયા બેઠકના ધારાસભ્ય તાપસી પક્ષ બદલીને ટીએમસીમાં જાડાયા. તાપસી મંડલના ભાજપ છોડવાથી હલ્દીયા બેઠક પર ભાજપનો પ્રભાવ નબળો પડશે.
હલ્દીયા પૂર્વ મેદિનીપુર જિલ્લાનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે. આ વિસ્તાર સુવેન્દુ અધિકારીના પરિવારનો ગઢ માનવામાં આવે છે. પૂર્વ મેદિનીપુર વિસ્તારમાં ૧૬ બેઠકો છે. આમાંથી, ભાજપે ૨૦૨૧ માં સાત બેઠકો જીતી હતી અને ટીએમસીએ નવ બેઠકો જીતી હતી. સુવેન્દુ અધિકારીની નંદીગ્રામ બેઠક આ હેઠળ આવે છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, ભાજપે આ પ્રદેશમાં બે સંસદીય બેઠકો જીતી હતી અને ૧૫ વિધાનસભા બેઠકો પર આગળ હતું. એટલા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક પગલાથી ટીએમસીએ ભાજપ અને સુવેન્દુ બંનેને આંચકો આપ્યો છે. તાપસી મંડલના પક્ષમાં જાડાવાથી, ટીએમસી અહીં વધુ મજબૂત થવાની અપેક્ષા છે. એટલું જ નહીં, ભાજપ ધારાસભ્ય પક્ષને પણ નુકસાન થશે કારણ કે તેમને આવતા વર્ષની શરૂઆતમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
તાપસી મંડલ તૃણમૂલમાં જોડાનાર પ્રથમ ભાજપ ધારાસભ્ય નથી. પશ્ચિમ બંગાળની ૨૯૪ વિધાનસભા બેઠકો માટે ૨૦૨૧ ની ચૂંટણીમાં, ભાજપે ૭૭ બેઠકો જીતી હતી, ત્યારબાદ તેના ૧૨ ધારાસભ્યોએ પક્ષ બદલી નાખ્યો છે. ભાજપના બે સાંસદો પણ તૃણમૂલમાં જાડાયા હતા, જાકે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ દ્વારા ટિકિટ નકારવામાં આવ્યા બાદ બેરકપુરના અર્જુન સિંહ ભાજપમાં પાછા ફર્યા હતા.
તાપસી મંડલે ૨૦૧૬માં કોંગ્રેસ સમર્થિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા (માર્ક્સવાદી)ના ઉમેદવાર તરીકે હલ્દીયા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. પશ્ચિમ બંગાળમાં ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી પહેલા અધિકારી તૃણમૂલ છોડી ભાજપમાં જોડાયા બાદ મંડલ ડિસેમ્બર ૨૦૨૦માં ભાજપમાં જાડાયા હતા.
તેમણે ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હલ્દીયા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. વારંવાર પક્ષ બદલવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા, મંડલે કહ્યું, “મેં મુખ્યમંત્રીના વિકાસલક્ષી પહેલનો ભાગ બનવાનું નક્કી કર્યું છે. ભાજપ રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ વધારવાનો પ્રયાસ કરી રહી છે. તે ભાગલાવાદી રાજકારણ કરી રહી છે અને તેથી રાજ્યના લોકોએ તેમને વારંવાર નકારી કાઢ્યા છે. મારા માટે આ પ્રકારની રાજનીતિ સ્વીકારવી મુશ્કેલ બની રહી હતી.”
તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર એક પોસ્ટમાં કહ્યું, “હલ્દીયાના ભાજપ ધારાસભ્ય તાપસી મંડલનું તૃણમૂલ કોંગ્રેસ પરિવારમાં સ્વાગત છે.” તેમનું અમારી સાથે જાડાવું એ ભાજપ રાજકારણ પ્રત્યે વધી રહેલા મોહભંગનો પુરાવો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં, તેઓ લોકોના કલ્યાણ માટે અથાક મહેનત કરશે.મંડલના વારંવાર પક્ષ પરિવર્તન પર ટિપ્પણી કરતા, સુવેન્દુ અધિકારીએ કહ્યું, “લોકો આવા રાજકીય તકવાદીઓને નકારી કાઢશે. ભાજપનો એક પણ કાર્યકર તેમની સાથે તૃણમૂલમાં જાડાયો નથી.