અમેરિકન સંસદમાં એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. સંસદમાં રજૂ કરાયેલા બિલથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને ગણિતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ચિંતા વધી છે. આ બિલમાં, વૈકલ્પિક પ્રેકિટકલ ટ્રેનિંગ યોજનાને સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ત્રણ વર્ષ સુધી અમેરિકામાં રહી અને કામ કરી શકે છે.
ઇમિગ્રેશન લો ફર્મ લોક્વેસ્ટના સ્થાપક પૂર્વી ચોથાણીએ આ સમગ્ર મુદ્દા પર જણાવ્યું હતું કે, “જા બિલ પસાર થઈ જાય, તો ઓપીટી અચાનક સમાપ્ત થઈ શકે છે અને બીજા વર્ક વિઝા પર જવાનો કોઈ વિકલ્પ રહેશે નહીં. વિદ્યાર્થીઓએ તાત્કાલિક અમેરિકા છોડવું પડી શકે છે.” ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ પગલાથી અમેરિકામાં હજારો ભારતીય વિદ્યાર્થીઓના કરિયર પર અસર પડી શકે છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે જે લાંબા ગાળાના રોજગાર વિઝા માટે ઓપીટી પર આધાર રાખે છે.
જાકે, ભૂતકાળમાં ઓપીટી નાબૂદ કરવાના પ્રયાસો થયા છે. આ વખતે આ બિલ એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકામાં ઇમિગ્રન્ટ્‌સ વિરુદ્ધ વાતાવરણ છે. રાષ્ટ્રપતિ બન્યા બાદથી, ડોનાલ્ડ ટ્રમ્પ વિઝા નિયમો કડક કરવામાં અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને દેશમાંથી બહાર કાઢવામાં કડક વલણ અપનાવતા જાવા મળ્યા છે.
એક અહેવાલ મુજબ, ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ વેકેશન પર ભારતની યાત્રાઓ રદ કરી દીધી છે, કારણ કે તેમને ડર છે કે તેઓને અમેરિકામાં પાછા પ્રવેશ નહીં મળે. યુએસ સંસદમાં એક નવું બિલ રજૂ થયા પછી, ઘણા વિદ્યાર્થીઓ નોકરી માટે અરજી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ આ એટલા માટે કરી રહ્યા છે જેથી ડ્રો બહાર પડતાની સાથે જ તેઓ એચ-૧-બી વિઝા પર શિફ્ટ થઈ શકે. આ વિઝા સામાન્ય રીતે અમેરિકન અને ભારતીય ટેક કંપનીઓ દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે.
બીજી મોટી સમસ્યા એ છે કે ઓપ્શનલ પ્રેકિટકલ ટ્રેનિંગ વિના, વિદ્યાર્થીઓ અમેરિકામાં સારો પગાર મેળવી શકશે નહીં. જા આવું થશે, તો વિદ્યાર્થીઓને તેમની શિક્ષણ લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઓપન ડોર્સ ૨૦૨૪ના અહેવાલ મુજબ, ૨૦૨૩-૨૦૨૪ શૈક્ષણિક વર્ષ દરમિયાન ૩૩૧,૬૦૨ વિદ્યાર્થીઓ સાથે ભારત અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ટોચના દેશ તરીકે ઉભરી આવ્યું છે, જે પાછલા વર્ષ કરતાં ૨૩ ટકાનો વધારો દર્શાવે છે. આમાંથી, લગભગ ૯૭,૫૫૬ વિદ્યાર્થીઓએ વૈકલ્પિક પ્રેકિટકલ તાલીમમાં ભાગ લીધો હતો, જે ૪૧ ટકાનો વધારો દર્શાવે છે.