સાવરકુંડલા પંથકમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરનારા ખેડૂતો હાલ ભારે આર્થિક સંકડામણમાં મુકાયા છે. તૈયાર પાક બજારમાં વેચવા જતા પ્રતિ ૨૦ કિલોના ભાવ માત્ર રૂ. ૭૦ થી ૧૩૦ મળી રહ્યા છે, જે ખેતી ખર્ચ કરતાં પણ ઘણા ઓછા છે. મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચને લીધે ખેડૂતોને એક મણ ડુંગળીનો ઉત્પાદન ખર્ચ આશરે રૂ. ૨૦૦ સુધી પહોંચ્યો છે. આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ ઓછું થયું છે. ઉપરથી ઉનાળાની ગરમીના લીધે ખેડૂતો પાસે સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓને નીચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. ગોડાઉનનું ભાડું પણ પોસાય તેમ ન હોવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે. તાલુકા ભાજપના મહામંત્રી ચેતન સી. માલાણીએ આ અંગે સરકારને રજૂઆત કરીને ડુંગળી પકવતા ખેડૂતો માટે તાત્કાલિક આર્થિક સહાય પેકેજ જાહેર કરવા વિનંતી કરી છે.