ઓનલાઈન ડેટિંગ એપ વાપરતા હોય તો ચેતી જજા. કારણ કે આ પ્રકારની ઓનલાઈન એપ્લીકેશન વાપરતા વાપરતા તમે ક્યાંક હની ટ્રેપના શિકાર પણ બની શકો છો. આવી જ એક ઘટના સરખેજ વિસ્તારમાં સામે આવી છે. જ્યાં ફરિયાદ થતાં પોલીસે હની ટ્રેપમાં સંડોવાયેલા પાંચ લોકોમાંથી એકને ઝડપી ચારની શોધખોળ શરૂ કરી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં એક યુવકે ફરિયાદ કરી હતી કે ફેબ્રુઆરી ૨૦૨૫ થી કવેક કવેક નામની ડેટીંગ એપ દ્વારા તે કવિતા પટેલ નામની યુવતીના સંપર્કમાં આવ્યો.
જે બાદ બને વચ્ચે વાતચીત વધી અને થોડા દિવસ પહેલા યુવતીએ યુવકને ઇસ્કોન પાસે એક હોટેલમાં બોલાવ્યો. જાકે ત્યારે યુવકને ખબર નહોતી કે તે હની ટ્રેપનો શિકાર બન્યો છે. હોટેલ પર યુવક અને યુવતી મળ્યા હતા. ત્યારબાદ ત્યાં યુવતીના સાગરીતો પહોંચ્યા અને પોતે એટીએસમાં છે તેવી ઓળખ આપી હતી. તેની સાથે રહેલ કવિતા પટેલને આ ડ્રગ્સ પેડલર છે. તેમ કહીને બેગ ચેક કરી ફરીયાદીને ગાડીમાં અપહરણ કરી રસ્તામાં ગડદા પાટુનો માર મારી તથા બિભત્સ ગાળો બોલી ધમકી આપી હતી. ત્યારબાદ ફરીયાદીનું ક્રેડીટ કાર્ડ બળજબરીથી કાઢી લઇ, ક્રેડિટ કાર્ડ પેટ્રોલ પંપ ઉપર સ્વાઈપ કરાવી ૫૧ હજાર અને ગૂગલ પે મારફતે અલગ અલગ એકાઉન્ટમાંથી ૩.૪૨ લાખ ટ્રાન્સફર કરાવ્યા. જે બાદ યુવકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં હેમાંગ જેઠવાનું નામ સામે આવતા તેની ઘરપકડ કરવામાં આવી હતી.સમગ્ર ઘટનામાં રાજકોટનો હેમાંગ જેઠવા મુખ્ય આરોપી છે. જેની સાથે રાજકોટનો જીતુદાન ઉર્ફે ભુરો બાણીદાન જેસાણી, રાજકોટની કવિતા પટેલ નામ ધારણ કરી આવેલ નિતુ ઉર્ફે નેન્સી અર્જુનભાઇ ગાયકવાડ, રાજકોટની વંદના ઉર્ફે ડોલી રાજેશભાઇ કાકડીયા અને રાજકોટની નંદની કુમારભાઇ જાડેજા સંડોવાયેલા છે.
આરોપી હેમાંગ સિવાય તમામ ફરાર છે. જેઓની પોલીસ શોધખોળ કરી રહી છે. આરોપી હેમાંગ પાસેથી પોલીસે રોકડ રકમ અને મોબાઈલ અને ડેન્જર ટોય એર ગન પણ કબજે કરી છે. આરોપી હેમાંગ અને ફરાર જીતુદાનનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે.
હાલ પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. અને હવે પોલીસએ તપાસમાં લાગી છે કે પડાયેલ શખ્સ અને ફરાર શખ્સો ક્યારથી અને કેવી રીતે સંપર્કમાં આવ્યા. તેમની આ ગેંગ ક્યારથી સક્રિય છે. તેઓએ કેટલા લોકોને ભોગ બનાવ્યા છે. તેમજ તેઓ સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ જેમનો આગામી દિવસમાં ખુલાસો થઈ શકે છે.