દીવના ૨૨ માછીમારો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થતાં તેમના પરિવારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. વણાંકબારા અને વાડી વિસ્તારના માછીમાર પરિવારોની મહિલાઓએ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીનો આભાર માનવા ઊના ખાતે કોળી સેનાના જિલ્લા પ્રમુખની ઓફિસની મુલાકાત લીધી હતી. મહિલાઓએ મંત્રીની પુત્રી દીનાબેન બાંભણીયાને પુષ્પગુચ્છ અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. અગાઉ પરિવારોએ મંત્રી સમક્ષ રજૂઆત કરતાં તેમણે કેન્દ્ર સરકારમાં આ બાબતે રજૂઆત કરી હતી, જેના પરિણામે આ માછીમારોની મુક્તિ શક્ય બની. પરિવારોએ હજુ પણ પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોની વહેલી મુક્તિની આશા વ્યક્ત કરી હતી. દીનાબેન બાંભણીયાએ માછીમાર પરિવારોનું સન્માન કર્યું હતું.