ઉનાના નાળિયા માંડવી ગામે જાવેદ જમાલ શેખ નામના વ્યક્તિએ પોતાના સગા ભાઈ હનીફ જમાલ શેખની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વિના મૃતદેહને દફનાવી પણ દીધો હતો. જો કે, મૃતકના નાના ભાઈ ઇબ્રાહિમ જમાલ શેખે પોલીસને જાણ કરતાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે મૃતક હનીફ કુહાડી લઈને ઘરે ઝઘડો કરવા આવ્યો હતો. આ વખતે આરોપી જાવેદે ગુસ્સામાં આવીને કુહાડી છીનવી લીધી અને તેના ભાઈના માથામાં જોરદાર ઘા મારી દીધો, જેના કારણે હનીફનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરવાને બદલે મૃતદેહની દફનવિધિ કરી નાખી હતી.