પહેલગામ આતંકવાદી હુમલા બાદ આખો દેશ શોક અને ગુસ્સામાં છે. જે રીતે આતંકવાદીઓએ નિઃશસ્ત્ર પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્યા છે તેનાથી સમગ્ર દેશમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ છે. આ દરમિયાન આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં, સુરક્ષા એજન્સીઓએ ૩ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓ પર પસંદગીપૂર્વક ગોળીબાર કર્યા પછી, આ આતંકવાદીઓ નજીકના ડુંગરાળ જંગલમાં છુપાઈ ગયા છે. હુમલો કરનારા આતંકવાદીઓની શોધ તેજ કરવામાં આવી છે. હાલમાં, સુરક્ષા દળોએ પહેલગામના જંગલોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. આતંકવાદીઓ બૈસરનના જંગલોમાંથી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે હુમલો કર્યા પછી, તેઓ જંગલોમાંથી સલામત સ્થળો તરફ ભાગી ગયા હતા. હવે, સેના અને સીઆરપીએફ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો આતંકવાદીઓને શોધવામાં રોકાયેલા છે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે પહેલગામમાં ૫ ટીઆરએફ આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ પહેલા ધર્મના આધારે હિન્દુ પ્રવાસીઓને ઓળખ્યા. તેમને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા અને પછી ગોળી મારી દેવામાં આવી. પહેલગામમાં જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૬ લોકોની હત્યા કરી હતી, ત્યાં હજુ પણ તે લોહિયાળ રમતના નિશાન જાઈ શકાય છે.
વાસ્તવમાં, પહેલગામના બૈસરનને મીની સ્વિટ્‌ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. બૈસરન પહેલગામ શહેરથી ૬ કિલોમીટર દૂર છે. આ વિસ્તાર ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલો છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ટ્રેકર્સ અહીં ફરવા આવે છે. આ જ બૈસરનમાં, એકે-૪૭ થી સજ્જ ૫ આતંકવાદીઓ ઘૂસી ગયા અને પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.