એક જમાનામાં નામ પ્રમાણે આપડો અમરવલ્લી પ્રદેશ ખરેખર લીલ્લોછમ હતો હવે એ ઝાંખો પડ્યો છે. તો પણ ગુજરાતના બીજા વિસ્તારોની તુલનામાં આપડો મલક કુદરત તરફ કંઈક વધારે ઢળેલો છે. આપણા આજના વિશ્વનો લગભગ નેવુ ટકા માનવ સમુદાય એવો છે કે જે પર્યાવરણને સૌથી વધુ અરસિક વિષય માને છે. તેઓ જાણતા નથી કે એ રીતે તેઓ તેમના પોતાના જ સંતાનોને ધિક્કારી રહ્યા છે. જેઓ પોતાના બાળકોને ચાહી શકે છે તેઓ તો આ સંસારના દરેક શિશુને વહાલ કરી શકે છે. પરંતુ બાળકોને ચાહવાનો અર્થ હવે બદલાયો છે.
થોડાં કપડાં, કોઈ રમકડાં અને ચોકલેટ એ બાળકો પ્રત્યેનો આપણો ખરો પ્રેમ નથી. પ્રેમ એ છે કે આપણે એમને માટે સહેજ વધુ સારી પૃથ્વી છોડતા જઈએ. આ વિચારધારા સ્વીડનની એક સોળ વરસની દીકરી ગ્રેટા થનબર્ગની છે. ગ્રેટા છેલ્લા બે વરસથી સર્વ દેશોના સત્તાધીશો સામે નૈતિક યુદ્ધે ચડી છે. સોળ વરસની ઉંમરે એના ચહેરા પર જે ખિન્નતા છે એ કોઈ આક્રમક સેનાપતિના મિજાજને રજૂ કરનારી છે. દુનિયાના વર્તમાન શાસકો અને પુખ્ત નાગરિકોએ વસુંધરાની જે અવદશા કરી છે એનો પૃથ્વી વતી જે ક્રોધાગ્નિ પ્રગટવાનો છે એની પ્રથમ જ્વાળા ગ્રેટાની વાણીમાં દેખાય છે. જ્વાળામુખી પરની ધૂમ્રસેરને જેઓ જોતાં નથી તેઓ લાવાનો ભોગ બને છે. ગ્રેટા આખી દુનિયાને પર્યાવરણ માટે જગાડવા નીકળેલી એક કન્યા છે.
ગ્રેટા થનબર્ગની ઉંમર તો અરીસા સામે ઊભા રહેવાની છે. એના બદલે એણે આ દુનિયાને અરીસો ધર્યો છે અને આપણા પૃથ્વી પરત્વેના ઘોર હનન કર્મો તરફ જોવા કહ્યું છે. ગ્રેટાએ એની જ ઉંમરના વિદ્યાર્થીઓનું એક આંતરરાષ્ટ્રીય વર્તુળ રચી લીધું છે. એણે પર્યાવરણની તરફેણમાં અનેકવાર દેખાવો પણ કરેલા છે. છેલ્લા એક વરસથી આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલોમાં એના નોંધ જેવા નાના લેખો પણ છપાતા રહ્યા છે. આ એક ટીનેજર પર્યાવરણ એક્ટિવિસ્ટ છે. જો કે સૌરાષ્ટ્રમાં પણ પર્યાવરણ એક્ટિવિસ્ટોની સંખ્યા ઓછી નથી. ગ્રેટાના થોડા વાક્યોએ મહાસત્તાઓના કાનમાં ધાક પાડી દીધી છે.
ઉપરાંત જે આવેશ અને ક્રોધ સાથે, છતાં સ્થાયી ભાવની સ્વસ્થતા સાથે એ જે કંઈ બોલે છે એણે અનેક દેશોને વિચારતા કરી મૂક્યા છે. ગ્રેટાએ તમામ રાજનેતાઓએ બદલાતા પર્યાવરણને સમજવામાં ગોથા ખાધા હોવાની વાત કરી છે. ગ્રેટાનો મુખ્ય આરોપ એ છે કે નેતાઓની દાનત જ સારી ન હોવાથી ગ્રીન હાઉસ ગેસ સાથે પનારો પાડવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે. આ નેતાઓએ નવી પેઢી સાથે વિશ્વાસઘાત કર્યો છે. એણે બહુ કડક અવાજે કહ્યું કે હે નેતાઓ, તમે તમારી ખોખલી વાતોથી મારું શૈશવ અને મારા સપનાઓ આંચકી લીધા છે. આ એક હકીકત છે. અત્યારે જ બાળકોના દવાખાનાના ધકકાઓ બહુ વધી ગયા છે. અને દુઃખદ રીતે એ વધવાના છે. કારણ કે આ દુનિયા બાળકોને આપવાના દૂધમાં પણ ભેળસેળ ને કૌભાંડ કરે છે. ભવિષ્ય વિકરાળ છે. છેલ્લા દસ વરસથી અમરેલીના રસ્તાની જે હાલત હતી તે ખરેખર તો આપડા નેતાઓની આળસનો એક અજબ ઈતિહાસ છે. એ જ રીતે ચીનમાં કોરોના વાયરસ બતાવે છે કે માંસાહારી પ્રજાએ કદી પાછા વળીને જોયું જ નથી.
દર શુક્રવારે ગ્રેટા સ્કૂલ છોડીને જળવાયુ પરિવર્તન માટે જાગૃતિ ફેલાવવા નીકળી પડે છે. આ એક કન્યાના કહેવાથી ૧૫૦ દેશોમાં પર્યાવરણ સંબંધિત આંદોલનો થયા હતા. ગ્રેટા નવી પેઢીના તમામ લોકો પાસેથી એવી અપેક્ષા રાખે છે કે બધાએ દર શુક્રવારે માત્ર પૃથ્વીની સુરક્ષા માટે કામ કરવું જોઈએ. વિવિધ દેશોની સંસદમાં જઈને પણ ગ્રેટાએ વ્યાખ્યાનો આપ્યા છે. સ્વીડનના સંસદ ભવન સામે તો ગ્રેટાએ ધરણા ને એવા વિવિધ પ્રકારના દેખાવો કરેલા છે.
દરેક દેશની પ્રજાને વિવિધ ઋતુઓના હિંસક ઉત્પાતનો અનુભવ થવા લાગ્યો છે. દુનિયાના ઓછી આવક ધરાવતા લોકોની જીવનશૈલી અરધી તો કુદરતને આધીન હોય છે એમાં પ્રકૃતિ વિફરે ત્યારે તેઓનામાં જાનહાનિ મોટી થાય છે. ચીનમાં ખરેખર અત્યારે પ્રકૃતિ જ વિફરેલી છે. ગ્રેટા એમ કહે છે કે હે બની બેઠેલા કહેવાતા નેતાઓ તમે આ પૃથ્વીનો વિનાશ કરવાનું જ કામ કરી રહ્યા છો એટલે અમે અને ભવિષ્યની પેઢીઓ તમને કદી માફ નહિ કરે. કારણ કે પર્યાવરણને જાળવવા કાયદા ઘડવાની સત્તા તમારી પાસે હોવા છતાં તમે સદા પોલા અને છટકબારી ધરાવતા કાનૂનો જ ઘડ્યા છે.
વૃક્ષો કાપવા માટે હવે સરકારની મંજૂરી ક્યાં લેવી પડે છે? એને કારણે આપડા પ્રદેશમાં હજારો
વૃક્ષો કપાઈ રહ્યા છે. ધારીથી તુલસીશ્યામ વચ્ચેના સળંગ લીલા પટ્ટાઓ અને રસ્તા પરના ઘટાદાર છાંયાઓ ઓછા થઈ ગયા છે. એ જ રીતે સાવરકુંડલા-ખાંભા વચ્ચે પણ અનેક વૃક્ષો કપાયા છે.
પરિસ્થિતિ સાવ અંધકારની ધાર પર ચાલી રહી છે. બધું વિનાશને આરે છે અને સહુ જોઈ શકે છે. છતાં બધા દેશોના રાજનેતાઓ પૈસાની ને આર્થિક વિકાસની કપોળ કલ્પિત કથાઓ જ કહેતા રહે છે. એટલે કે દરેક નેતાઓ પોતપોતાના દેશની પ્રજાને બેવકૂફ બનાવે છે. પર્યાવરણ વિશે કામ કરવાની તૈયારી ન હોવાને કારણે તમે સત્ય છુપાવો છો. વાત કરતી વખતે ગ્રેટાના ચહેરાની રેખાઓ એટલી ક્રુદ્ધ દેખાતી હોય છે કે સહુ કોઈ સ્તબ્ધ થઈ જાય છે. મુગ્ધતાના આ વરસોમાં આ કન્યાની ભીતર જે ચિનગારી પ્રગટી છે એનાથી જો તખ્તેનશીન સત્તાધારીઓની ઊંઘ ઉડે તો ઠીક છે નહિતર વિનાશ પછીની રાખ તો ઉડવાની જ છે. ગ્રેટાની વાતમાં માત્ર તર્કબાજી કે ફરિયાદ જ નથી, ઘેરા વિષાદનો આઘાત પણ છે. એ માને છે કે એના તમામ પુરોગામીઓ એટલે કે આપણે એ પેઢીના સરવેને બહુ ક્રૂરતાથી છેતર્યા છે અને લીલુડી ધરતીને વેરાન કરવાના કામ કર્યા છે.
ગ્રેટા એક જ છે પણ એની સાથે એની આખી જનરેશન જોડાયેલી છે. ગ્રેટાને કારણે દરેક શુક્રવારે રજા રાખીને પર્યાવરણ માટે નીકળી પડનારા વિદ્યાર્થીઓની સંખ્યા લાખોની છે અને સતત વધતી જાય છે. અત્યારે તો ગ્રેટા જંગલ વચ્ચે ભૂલી પડેલી એકલી માસૂમ દીકરીની જેમ અશ્રુ સારી રહી છે. કારણ કે ગ્રેટાના વિચારોથી વિવિધ દેશોના કાનૂનોમાં ફેરફાર થાય એ સ્થિતિ આવતા થોડી વાર લાગશે. આ વિશ્વના વિવિધ શાસકોની બહેરાશને કારણે વધુ ગ્રેટાઓના વધુ ઊંચા અવાજની આ દુનિયાને જરૂર રહે છે. હવે દરેક મહાનગરોના ભાંગવાની શરૂઆત થશે. વુહાન છે તો ચીનમાં એક જ પણ દુનિયાના અનેક દેશોમાં નાના નાના ન ઓળખાય એવા વુહાન અસ્તિત્વ ધરાવે છે. ગમે ત્યારે એ શહેરોમાં નાસભાગ થશે. અને ત્યારે એટલું મોડું થઈ ગયું હશે કે વુહાનની જેમ કોઈ બહાર જઈ શકશે નહિ. હવે જંગલો અને વનકાંઠાના ગામડાઓ જ જિંદગીના વરદાન છે. શહેરો તો મોતના કૂવાઓ બનવા લાગ્યા છે.
ગ્લોબલ વોર્મિંગને કારણે વૈશ્વિક હવામાનની પરિસ્થિતિ ડામાડોળ થવા લાગી છે. છેલ્લા ત્રણ-ચાર વરસમાં આ દિશામાં એવા કોઈ વિશેષ પગલા લેવામાં આવ્યા નથી કે જેનાથી પછીની પેઢીને એક સુંદર પૃથ્વી સોંપી શકાય. વાતો બધા દેશો કરે છે પરંતુ, પગલા લેવામાં સહુ પારોઠના પગલા ભરે છે. અમેરિકા પણ આ હકીકતથી વાકેફ છે. જો કોઈને પણ પડી ન હોય તો અમારે શું છે? એવી વૃત્તિ સાથે ટ્રમ્પે પેરિસ કરાર સાથે છેડો ફાડયો હતો. ઈ.સ. ૨૦૨૦ સુધીમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનનું પ્રમાણ ૭૦ ટકા જેટલું ઓછું કરવાની રાષ્ટ્ર સંઘની ઈચ્છા હવે બહુ ફળીભુત થાય એમ નથી. ને એને જ કારણે આજે જે બાળકો શાળાઓમાં ભણે છે તેઓ તેમના યૌવનમાં પ્રવેશ કરશે ત્યારે અકલ્પિત પર્યાવરણીય સમસ્યાઓ તેમને ઘેરી લેશે એ નિશ્ચિત છે.