કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ૨૬ લોકોની હત્યા કરી નાખવાના વિરોધમાં ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહેરના ત્રણ દરવાજા આઝાદ ચોક ખાતે આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને માર્યા ગયેલા નિર્દોષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાની અને એક્સ આર્મી મેન ગંભીરસિંહ વાળાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે પહેલગામમાં જેહાદી આતંકવાદીઓએ ધર્મ અને નામ પૂછીને નિર્દોષ હિન્દુઓની હત્યા કરી છે, જે અત્યંત દુઃખદ અને કાયરતાપૂર્ણ કૃત્ય છે. આ ઘટનાના વિરોધમાં ધોરાજીના હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ત્રણ દરવાજા ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહેલગામના પીડિત પરિવારોની તસવીરો સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહેરના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી અને ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારબાદ ગાંધીજીના સ્ટેચ્યુ પાસે આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જે આતંકવાદ સામે હિન્દુ સમાજના પ્રચંડ રોષને વ્યક્ત કરે છે.