શહેર ભાજપને આજે નવા પ્રમુખ મળી ગયા છે. ગુડાના પૂર્વ ચેરમેન આશિષ દવેની શહેર ભાજપના પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. પાર્ટીના ધારાસભ્ય, કોર્પોરેટરો, પ્રદેશ સ્તરના નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થીતિમાં તેમના નામની જાહેરાત આજે સંપન્ન થઈ હતી. આજે ભગવાન પરશુરામ જયંતિના શુભ દિવસે આ વરણી થવા પામતા આશિષ દવે માટે ભાવનાત્મક પણ ક્ષણ રહી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, હાલના શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, ભાજપના સ્થાનિક કોર્પોરેટરો અને પ્રદેશ ચૂંટણી નિરીક્ષક હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને આશિષ દવેના નામની જાહેરાત થતાં જ સભાખંડ તાળીઓથી ગૂંજી ઉઠ્યો.
આશિષ દવે અગાઉ ગાંધીનગરના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ગુડાના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે શહેરના અવલોકન અને વિકાસના વિવિધ પાસાઓ સાથે લાંબો સંવાદ કર્યો છે અને હવે તેઓ શહેર ભાજપના સત્તાવાર પ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે.
પ્રમુખપદની જાહેરાત દરમિયાન દવેએ જણાવ્યું હતું કે, “આજે ભગવાન પરશુરામ જયંતિના પાવન દિવસે મારી વરણી કરવામાં આવી, એ મારી માટે ગૌરવની ક્ષણ છે. મારી સાથે ઊભેલા દરેક કાર્યકર્તા, કોર્પોરેટર અને વરિષ્ઠ આગેવાનોનો આભાર માનું છું.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
દવેએ એમ પણ ઉમેર્યું કે, “ભાજપમાં પદ કાયમી નથી, કાર્યકર્તા જ કાયમી છે. હવે મારી જવાબદારી રહેશે કે વધુને વધુ લોકો ભાજપ સાથે જાડાય અને શહેરનું સંગઠન વધુ મજબૂત બને.” આ કાર્યક્રમમાં શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)ના દુઃખદ આતંકી હુમલામાં શ્રદ્ધાંજલિરૂપે આતશબાજીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. ભાજપે દેશના શહીદોની લાગણીઓનું માન રાખીને આ નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આશિષ દવે હવે ગાંધીનગર શહેર ભાજપને નવી દિશામાં લઈ જવાની તૈયારી સાથે પ્રેરિત નજરે પડે છે. હવે જોવા જેવી વાત એ રહેશે કે તેઓ ભાજપના શહેર સંગઠનને કેટલું શક્તિશાળી બનાવી શકે છે.