ભારતમાં યોજાયેલી આઈ.સી.એ. ગ્લોબલ કોન્ફરન્સમાં ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા મહાનુભાવોનું ભારતીય પરંપરા અનુસાર હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. તેમના આતિથ્યથી પ્રભાવિત થઈને આઈ.સી.એ.ના ડાયરેક્ટર જનરલ જેરોન ડગ્લાસ અને આઈ.સી.એ.ના પ્રમુખ એરીયલ ગ્વારકોએ સંઘાણીને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. આ કોન્ફરન્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિશ્વના વિવિધ દેશોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સ દરમિયાન દિલીપભાઈ સંઘાણીએ સહભાગીઓનું અતિથિ દેવો ભવઃના સિદ્ધાંત અનુસાર સ્વાગત કર્યું હતું. તેમણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી સહભાગીઓને પરિચિત કર્યા હતા. કોન્ફરન્સના સમાપન સમારોહમાં દિલીપભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવેલા ઉદ્બોધનને સહભાગીઓએ ખૂબ જ સરાહ્યું હતું. તેમના ઉદ્બોધનમાં સહકારી ક્ષેત્રમાં ભારતની ભૂમિકા અને ભવિષ્યની શક્યતાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આઈ.સી.એ.ના ડાયરેક્ટર જનરલ જેરોન ડગ્લાસ અને આઈ.સી.એ.ના પ્રમુખ એરીયલ ગ્વારકોએ સંઘાણીના આતિથ્ય અને ઉદ્બોધનની ખૂબ પ્રશંસા કરી હતી.